વલસાડ, તા. ૦૧ વલસાડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કોળી સમાજની વેબસાઇટ લોન્ચ કરાઇ હતી. વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા કોળી સમાજના ધો. ૧૦ અને ૧૨ના ૮૪ જેટલા તેજસ્વી તારલાઓ તથા શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરનારાઓનું સન્માન કરવા માટે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં દાતાઓ તરફથી અંદાજે રૂ. ૨.૬૦ લાખની ધનરાશિ સમાજના વિકાસ માટે દાન આપવાની જાહેરાત કરાઇ હતી. આ પ્રસંગે ધારાસભ્ય ભરતભાઇ પટેલે જણાવ્યું હતું કે, સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. બિલ્ડર અને દાનવીર બિપીનભાઇ પટેલે સમાજની સત્તાવાર વેબસાઇટ લોન્ચ કરતા જણાવ્યું કે, ૨૧મી સદી ઇન્ટરનેટ યુગની છે, તેથી આ વેબસાઇટ વિશ્વભરમાં વસતા કોળી લોકોને પરસ્પર જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરશે.
આ વેબસાઇટ તૈયાર કરનાર સમાજના ટેકનિકલ ટીમ સભ્યો રજનીભાઇ પટેલ, ધર્મેશભાઈ પટેલ અને રાજેનભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોળી સમાજની આ ડિજિટલ વેબસાઇટમાં સમાજની ડિરેકટરી, વાડીનું ઓનલાઇન બુકીંગ, રોજગારી માર્ગદર્શન, લગ્નોત્સુક યુવક-યુવતીઓની વૈવાહિક વિગતો, તેમજ ખેડૂતો માટે કૃષિ અંગેનું ઉપયોગી માર્ગદર્શન જેવી મહત્વની વિગતો મૂકવામાં આવી છે.
આ પ્રસંગે કામદાર નેતા અને ગુજરાત કામદાર સભાના પ્રમુખ આર.સી. પટેલે ખંડનાત્મક વિચારધારાથી દૂર રહેવા અપીલ કરી હતી. આ સમારોહમાં ધો. ૧૦ અને ૧૨ના ૭૧ તેજસ્વી વિદ્યાર્થીઓ તથા વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરનાર ૧૩ વિદ્યાર્થીઓનું મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી ગૌરવભેર સન્માન કરાયું હતું. જ્યારે આર્થિક રીતે નબળા ૨૧ વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય રૂપે શિષ્યવૃત્તિ એનાયત કરાઇ હતી.
